અભિજ્ઞાનશાકુન્તલમાં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય
વસન્તકુમાર મ. ભટ્ટ
નિયામક, ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
bhattvasant@yahoo.co.in
ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે આ નાટકમાં જૂનો માર્ગ છોડીને, નવા પ્રકારનો અન્તરાય ઊભો કર્યો છે. (ટાગોર, 1922) આ સન્દર્ભે શાકુન્તલને ‘અપૂર્વ’ કહી શકાય. એવી જ રીતે, અગાઉનાં બે નાટકોમાં નાયકોની પ્રેમલીલાઓમાં વિદૂષકનો જેટલો સક્રિય સહકાર જોવા મળે છે, તેની અપેક્ષાએ શાકુન્તલમાં વિદૂષકને તો સતત દૂર જ રાખવામાં આવ્યો છે. બલ્કે એમ કહેવું જોઈએ કે અહીં વિદૂષકને દૂર રાખીને જ શકુન્તલાના પ્રત્યાખ્યાનને વધુ પ્રતીતિકર બનાવાયું છે. દુષ્યન્ત-શકુન્તલાની પ્રેમકથાને વિરહની પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે કવિએ વિદૂષકની અનુપસ્થિતિને બીજા અંકથી જ કામે લગાડી છે એ આપણે જાણીએ છીએ. તથા શકુન્તલાની હાજરીમાં તેને રંગભૂમિ ઉપર પણ એકેય વાર આવવા દેવામાં આવ્યો નથી. આમ, આ નાટકમાં આવી બીજી અપૂર્વતાઓ પણ જોઈ શકાય.
એ જ રીતે, મહાકવિ કાલિદાસે આ નાટકની પ્રરોચના કરતાં તેને “નવીન” પણ કહ્યું છે, તો પ્રશ્ન થાય કે આમાં કઈ નવીનતા જણાય છે ? આનો સુપ્રસિદ્ધ ઉત્તર તો એ છે જ કે અહીં ચોથા અંકમાં કન્યા-વિદાયનું જે દૃશ્ય છે તે સાવ નવું છે. મહાકવિએ પહેલા ત્રણ અંકમાં મિલન-શૃઙ્ગારને વર્ણવ્યો છે, અને ઉત્તરાર્ધમાં વિરહશૃઙ્ગારને આલેખ્યો છે. તે બેની વચ્ચે દીકરીને પિતા તરફથી મળતા વ્હાલનું ચિત્ર નવીન પણ છે અને અદ્વિતીય પણ છે. કેમકે કાલિદાસ સિવાય બીજા કોઈ સંસ્કૃત કવિએ એમની પહેલા અને એમના પછી પિતૃવાત્સલ્યનું આવું નિરૂપણ કર્યું નથી. પરન્તુ એ ઉપરાંત, બીજી કઈ નવીનતા આ નાટકમાં છે એમ કોઈ પૂછે તો અભિજ્ઞાનશાકુન્તલમાં જોવા મળતી પ્રકૃતિ અને તેને આધારે ઊભી કરેલી પ્રતીક-યોજનાને જ આગળ ધરવી પડે. અહીં મહાકવિએ માનવભાવોને ઉત્તેજિત કરવા કે માનવભાવોનું પ્રતિબિંબ ઝીલવા પૂરતી જ પ્રકૃતિને ઉપયોગમાં લીધી નથી, અહીં શાકુન્તલમાં તો સકલ ભૂમંડલમાં વ્યાપ્ત એવી પ્રકૃતિ પોતે પણ નાટકની પાત્રસૃષ્ટિમાંનું એક સજીવ પાત્ર બનીને રજૂ થઈ છે, તથા આ પ્રકૃતિમાં સર્વત્ર વિહરતાં / જોવા મળતાં વિવિધ પક્ષીઓ, પુષ્પો, અને પશુ-પ્રાણીઓને નાયક-નાયિકા જેવા મુખ્ય પાત્રોનાં પ્રતીકો પણ બનાવવામાં આવ્યાં છે. સમગ્ર નાટ્યકૃતિમાં હરિણ, શિરીષ, કમળ, પરભૃતા, ચક્રવાક, હંસ અને ભ્રમર વગેરે જેવાં પશુ, પક્ષી અને પુષ્પાદિના ઉલ્લેખો વારંવાર આવતાં હોઈને સહૃદય પ્રેક્ષકને તરત જ સમજાવા લાગે છે કે મહાકવિએ પ્રકૃતિના આ પશુ, પક્ષીઓનો પ્રતીકાત્મક ઉપયોગ કરીને, તે પ્રતીકો દ્વારા જ ઘણું બધું સૂચવવાનો નવીન માર્ગ અપનાવ્યો છે. પ્રકૃતિમાંથી લીધેલાં આ પ્રતીકો દ્વારા નાટકના મુખ્ય પાત્રોના સ્વભાવ, તેમના જીવનની ગતિવિધિ અને તેમાં આવતું પરિવર્તન – એ બધું બહુ કલાત્મક રીતે અભિવ્યક્ત થઈ રહ્યું છે. પ્રકૃતિનો આવો દ્વિવિધ વિનિયોગ સર્વથા ‘નવીન ’ છે. વળી, અહીં ઉમેરવું જોઈએ કે આ નૈસર્ગિક પ્રતીકોના વિનિવેશ થકી જ આ નાટ્યકૃતિ સદાકાળ માટે આસ્વાદ્ય બની છે અને સાર્વભૌમ પણ બની છે. પ્રસ્તુત લેખમાં, મહાકવિએ અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં શાશ્વત પ્રકૃતિનાં પ્રતીકો થકી કેવી રીતે નાટ્યકાર્યની વ્યંજનાસભર અભિવ્યક્તિ કરી છે તે પ્રદર્શિત કરવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે.
[ 1 ]
અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં શકુન્તલાને માટે હરિણી અને દુષ્યન્તને માટે ભ્રમરનું પ્રતીક વપરાયું છે – એવી માન્યતા સાહિત્યરસિકોમાં સુપ્રચલિત છે, પણ તે બે પ્રતીકોમાંથી જ્યારે ભ્રમર જેવા એક જ પ્રતીકને કેન્દ્રમાં રાખીને, (Rabindrnath, 1953) નાટ્યકાર્યનો વિચાર કરવામાં આવે છે ત્યારે તે સર્વાંશે ગ્રાહ્ય બની શકતો નથી. કેમકે 1. દુષ્યન્ત માટે વપરાયેલું ભ્રમરનું પ્રતીક એના ચંચળ ( વ્યભિચરિત રહેતા ) સ્વભાવનું સર્વથા દ્યોતક બની શકે કે નહીં તે વિવાદાસ્પદ છે. તથા, મહાકવિએ એ પ્રતીકનું અન્ત સુધી શું એ જ સ્વરૂપે નિર્વહણ કર્યું છે – એમ કહી શકાય એવું છે ? તે પણ પ્રશ્ન છે. 2. વળી, એ વિવેચનોમાં શકુન્તલાને માટે પ્રયોજાયેલાં કમળ, હરિણી અને હંસ જેવા ત્રિવિધ પ્રતીકોનેય ધ્યાનમાં લઈને કાવ્યને પામવાનો ઉપક્રમ સ્વીકારાયો નથી . એવી જ રીતે, 3. મહાકવિએ પોતે પ્રસ્તાવના અને પ્રથમાંકમાં જ આ કૃતિની ત્રણ ગતિવિધિઓ નિર્દેશી છે તેની પણ આધુનિક વિવેચકો દ્વારા કદાચ અજાણતાં ઉપેક્ષા થઈ છે. આ નાટકની કવિ-નિર્દિષ્ટ ત્રણ ગતિવિધિઓ અને તેના સન્દર્ભે ગોઠવાયેલાં શકુન્તલા માટેનાં ત્રણ પ્રતીકોનું સંયોજન તપાસવું જોઈએ. પરન્તુ પ્રતીકોથી વ્યંજિત થતાં નાટ્યકાર્યનો વિચાર શરૂ કરીએ તે પહેલાં, મહાકવિએ કયા પાત્ર માટે કયાં પ્રતીકો વાપર્યાં છે – તે જાણી લેવું આવશ્યક છે. નાયક દુષ્યન્ત માટે કવિએ મુખ્યત્વે હાથી અને ભ્રમરના પ્રતીકો પ્રયોજ્યાં છે. બાળક ભરત માટે બાલમૃગેન્દ્ર ( સિંહશાવક ) નું પ્રતીક ગોઠવ્યું છે. તથા નાયિકા શકુન્તલા માટે હરિણી, કમળ અને હંસ – એવા કુલ ત્રણ પ્રતીકો વિનિયોજ્યાં છે. હવે પ્રસ્તુત લેખમાં, મહાકવિએ પોતે આરમ્ભે જ ઉલ્લેખેલી આ નાટકની ગતિ-વિધિના ત્રણ નિર્દેશોની મહત્ત્વપૂર્ણ અને અનુપેક્ષ્ય વિગતોને નોંધી લેવી જરૂરી બને છેઃ- જેમકે,
( 1 ) નાટકની પ્રસ્તાવનામાં સૂત્રધારે નટી પાસે જે ગ્રીષ્મ-ઋતુનું ગીત ગવડાવ્યું છે, તે નીચે મુજબ છેઃ- क्षणचुम्बितानि भ्रमरैः सुकुमारकेसरशिखानि । अवतंसयन्ति दयमानाः प्रमदाः शिरीषकुसुमानि ।।
ભમરાઓ વડે એકાદ ક્ષણ પૂરતાં જ ચુંબન પામેલાં અને પછી તરછોડાયેલાં શિરીષ-પુષ્પોની પ્રત્યે દયા દાખવતી પ્રમદાઓ પોતાનાં કાનોમાં પહેરીને પોતાની જાતને શણગારે છે. અથવા, કહો કે તે પુષ્પોને આભૂષણ તરીકેનું ગૌરવ આપે છે. ટીકાકાર રાઘવભટ્ટ કહે છે કે અહીં મહાકવિને શિરીષપુષ્પોને ધારણ કરતી પ્રમદા તરીકે, શકુન્તલાનો જ નિર્દેશ કરવો છે એમ જાણવું. નટીએ ગાયેલા આ ગીતથી એક ચોક્કસ પ્રકારની સ્ત્રીભાવનાને વાચા આપવામાં આવી છે., બલ્કે એમ કહેવું જોઈએ કે સ્ત્રીજીવનમાં પ્રાયઃ જોવા મળતી એક કરુણા-સભર નિયતિ, તેને શબ્દબદ્ધ કરવામાં આવી છે. કાલિદાસ શકુન્તલાને વિશે આગળ જતાં એવું કહેવાના છે કે તેને સુશોભન ગમતું હતું, તો પણ તે ક્યારેય વૃક્ષો ઉપરથી એક પાંદડું પણ તોડતી ન હતી. તો પછી પ્રશ્ન થાય કે તે પોતાનાં કાનોમાં શિરીષ-પુષ્પોને કેમ ધારણ કરતી હશે – આનો માર્મિક ખુલાસો નટી દ્વારા ગવાયેલા આ ગીતમાં આપવામાં આવ્યો છે. ભમરાઓ પુષ્પો ઉપર એક ક્ષણ માટે જ બેસીને તેમનો રસ ચૂસીને તરછોડી દે છે – સંસારમાં જેના પણ જીવનની આવી નિયતિ હોય તેને જોઈને શકુન્તલાને પારાવાર વેદના થાય છે. તેથી તે આવાં તરછોડાયેલાં પુષ્પોને પોતાના આભૂષણ તરીકે સ્વીકારીને તેમને સમ્માનિત કરે છે. ઋષિ વિશ્વામિત્રે મેનકાનો ઘડીક સંગ કરીને ત્યજી દીધી હતી, પણ પછી જન્મેલું એમનું સંતાન તે શકુન્તલા. આમ, નાયિકાના મનમાં પ્રકટેલી ઉક્ત ભાવના એના જન્મની કથા જોડે સંકળાયેલી છે. કોઈકનો ક્ષણિક પ્રેમ મેળવ્યા પછી તરછોડાયેલી સ્ત્રીનું જીવન તો કરુણા ઉપજે તેવું જ બની જાય, તદુપરાંત, તે ઘડીક સંગથી જે સંતાન જન્મે છે તેના પિતા કોણ ? એવા અભિજ્ઞાનની પણ સમસ્યા ઊભી થાય છે . આથી આ નટીગીતમાં વ્યક્ત થયેલી ભાવનાને નાયક દુષ્યન્ત આગળ જતાં ક્યારે સમજે છે ? તે જોવાનું છે. ( અને શકુન્તલાના પુત્રનું દૌષ્યન્તિ તરીકેનું અભિજ્ઞાનનું કેવી રીતે સિદ્ધ થાય છે ? તે પણ જોવાનું છે. મહાભારત ( આદિપર્વ )ના મૂળ શકુન્તલોપાખ્યાનમાં પણ શકુન્તલાના પુત્રના અભિજ્ઞાનની સમસ્યા જ કેન્દ્રમાં હતી. આથી નટીગીતનો મર્મ સમજવો અતિઆવશ્યક છે. ) આ સન્દર્ભે, આ નાટકમાં ઉલ્લેખાયેલાં શિરીષ, આમ્રમંજરી, કમળ જેવાં પુષ્પોના પ્રતીકાત્મક નિર્દેશો વિચારણીય બની રહે છે.
( 2 ) પ્રથમ અંકના પ્રારંભે, મૃગયાવિહારી રાજા દુષ્યન્તનો રંગભૂમિ ઉપર પ્રવેશ થાય છે ત્યાં જ નેપથ્યમાંથી કહેવામાં આવે છે કે – ન હણી શકાય, ન હણી શકાય,....આ આશ્રમનો મૃગ છે. તે કોઈ રીતે હણવા યોગ્ય નથી. तत् साधुकृतसंधानं प्रतिसंहर सायकम् । आर्तत्राणाय वः शस्त्रं, न प्रहर्तुम् अनागसि ।। 1-10 કણ્વમુનિના શિષ્યોનો આ ધ્વનિ સાંભળીને શિકારે નીકળેલો રાજા દુષ્યન્ત તરત જ ધનુષ્ય ઉપર ચઢાવેલા પોતાના બાણનું સંહરણ કરી લે છે. તેના પ્રતિભાવમાં એ ઋષિકુમારો રાજાને આશીર્વચન આપતાં કહે છે કે – जन्म यस्य पुरोर्वंशे युक्तरूपमिदम् तव । पुत्रमेवंगुणोपेतं चक्रवर्तिनम् आप्नुहि ।। 1-11 પુરુ વંશમાં જન્મેલા તમારે માટે આ જ યોગ્ય છે. કેમકે તમારા બાણ તો દુઃખીજનોના રક્ષણને માટે સર્જાયાં છે, નહીં કે કોઈ નિષ્પાપ વ્યક્તિને હણવા માટે. આથી હે રાજન્, તમે સર્વથા તમારા જેવા ગુણોવાળા ચક્રવર્તી પુત્રને પ્રાપ્ત કરશો. આ આશીર્વચનમાં અભિજ્ઞાન-શાકુન્તલ નાટકનું ચરમ લક્ષ્ય કહેવામાં આવ્યું છે. તેથી, હવે નાટકની સમગ્ર ગતિ પુત્રપ્રાપ્તિ સુધી વણથંભી આગળ વધતી રહેશે એ આપણે જોવાનું છે. અહીં મહાકવિ કાલિદાસે હરિણને શકુન્તલાના પ્રતીક તરીકે પ્રયોજ્યું છે એ વાત સૌને પહેલી ક્ષણે જ સમજાઈ જાય છે. અને જેમ જેમ નાટકને આગળ જોતાં જઈએ છીએ તેમ તેમ માલુમ પણ પડે છે કે આ કૃતિમાં શકુન્તલાની જીવનકથા સતત હરિણના મિષે જ કહેવાતી રહે છે, અને અન્તે હરિણના જ નિમિત્તે પરિણત પણ થાય છે. શિકારી બનીને કદાચ હરિણ મળે તો પણ મરેલું હરિણ મળે, તેથી આપણે જોવાનું એ છે કે હરિણીના સ્વરૂપમાં રહેલી શકુન્તલા રાજા દુષ્યન્તને એ કયા સ્વરૂપમાં પરિણત થાય ત્યારે મળે છે ? હરિણ અને શિકારીના વ્યક્તિત્વમાં તો સહજ રીતે જ વિસંવાદ રહેલો છે – તેનું નિર્મૂલન કેવી રીતે થાય છે, અને ત્યાર પછી જ શું દુષ્યન્તને ભરતની પ્રાપ્તિ થાય છે ?, અને એ થતાં પહેલાં તે ભરતનું ‘પોતાના પુત્ર’ ( દૌષ્યન્તિ ) તરીકે અભિજ્ઞાન પણ કેવી રીતે થાય છે ? તે ચરમ લક્ષ્યને ચરિતાર્થ થતું જોવા માટે પ્રથમાંકમાં જ આપણું કૌતુક બંધાય છે.
અલબત્ત, અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે મહાભારતમાં આવેલા શકુન્તલોપાખ્યાન ( આદિપર્વ, અ. 68-69 ) માં પુત્ર ભરતના અભિજ્ઞાનનો એક જ પ્રશ્ન હતો . પરન્તુ મહાકવિ કાલિદાસે પ્રસ્તુત નાટકમાં, શાકુન્તલ ( શકુન્તલા-પુત્ર ભરત ) ના અભિજ્ઞાનનો પ્રશ્ન મૂકવા ઉપરાંત, શકુન્તલાની ( આભ્યન્તર ) ઓળખનો મુદ્દો પણ મૂક્યો છે. બીજું, પુત્રપ્રાપ્તિને આશ્રમમૃગનો શિકાર ન કરવાની શરત સાથે સાંકળી છે. એટલે શિકારી અને હરિણીનો વિસંવાદ શમવો પહેલો જરૂરી બને છે, આને માટે જરૂરી છે દુષ્યન્તને પક્ષે શકુન્તલાની સાચી ઓળખ મળવાની, અને તે પછી જ દુષ્યન્તને પોતાના પુત્ર તરીકેના અભિજ્ઞાનપૂર્વક ભરતની પ્રાપ્તિ થવી જોઈએ – એવી, નાટકની ગતિ નિશ્ચિત થયેલી છે.
( 3 ) ઋષિકુમારો દુષ્યન્તને કહે છે કે નજીકમાં જ મહર્ષિ કણ્વનો આશ્રમ આવેલો છે. તેઓ રાજાને મોડું ન થતું હોય તો અતિથિસત્કાર માટે આશ્રમમાં પધારવાનું નિમન્ત્રણ આપે છે. જો કે કણ્વમુનિ આશ્રમમાં હાજર નથી, તેઓ પોતે તો શકુન્તલાને અતિથિસત્કાર માટે નિયુક્ત કરીને, પોતાની તે પોષિતા દીકરી શકુન્તલાના કોઈક દુરિતનું ( દુર્દૈવનું ) શમન કરવા માટે અત્યારે સોમતીર્થની યાત્રાએ ગયા છે. આ વાક્યને સાંભળ્યા પછી સૌ પ્રેક્ષકો ત્રીજા એક કૌતુકથી જકડાય છે કે શકુન્તલાના ભાગ્યમાં કયું અજ્ઞાત દુરિત પડેલું છે કે જેના શમન માટે કણ્વને સોમતીર્થ જવા નીકળવું પડ્યું છે. વળી, એ પણ જોવાનું રહેશે કે સોમતીર્થની યાત્રાનું ફળ શું આવે છે ? કેમકે નાટકમાં કશુંય નિરર્થક કહેવાતું નથી, જે કાંઈ કહેવાય છે તે હંમેશા સાભિપ્રાય જ હોય છે. આ સિદ્ધાન્ત મુજબ, કણ્વમુનિએ અરણ્યમાં તરછોડાયેલી આ દીકરીનું નામ “શકુન્તલા” એવું જે પાડ્યું છે તે આપણે માટે ધ્યાનાસ્પદ બને છે. આ નામનો ઇતિહાસ એવો છે કે મેનકાએ એક બાળકીને જન્મ આપીને, તેને કણ્વમુનિના આશ્રમ પાસે નિરાધાર તરછોડી દીધી. તરતની જન્મેલી આ બાળકીને તપોવનના પક્ષીઓ ( શકુન્તો ) એ સાચવી રાખી અને કલરવ કરી મૂકીને કણ્વમુનિને એ બાળકી પાસે ખેંચી લાવ્યા, તેથી કણ્વમુનિએ પક્ષીઓથી વીંટળાયેલી તે બાળકીનું નામ પાડ્યું – “શકુન્તલા”. (अभिज्ञानशकुन्तलम् ( मैथिलपाठानुगम् ), 1957) કણ્વમુનિએ આવું નામ પાડતી વખતે જ એના ભાવિને પણ કદાચ વાંચી લીધું છે. આ સન્દર્ભમાં, આ દીકરી પક્ષી-સમ્બન્ધે કરીને જો શકુન્તલા-નામધારી બની હોય તો, તેના જીવનની કહાણી કહેવા માટે મહાકવિએ નાટકમાં ક્રમશઃ રીતે કોકિલ ( પરભૃતિકા ), ચક્રવાક-યુગલ અને હંસ-મિથુન, તથા ( મૃત્તિકા- ) મયૂર જેવાં પક્ષીઓના ઉલ્લેખો કર્યાં છે તે ધ્યાનાસ્પદ બને છે. તેથી શકુન્તલાના ભાવિમાં છુપાયેલું દુરિત અને કણ્વની તીર્થયાત્રાના ફલોદયને જોવા પક્ષીઓનાં પ્રતીકો સમજવા જરૂરી બને છે.
આમ, સમગ્ર નાટ્યકૃતિની ગતિ કઈ દિશા તરફ ઉન્મુખ થયેલી છે તે સમજવા ઉપર્યુક્ત ત્રણેય સન્દર્ભો અને શકુન્તલા માટે વપરાયેલાં હરિણી, કમળ અને હંસ એવા ત્રણ પ્રતીકો મહત્ત્વપૂર્ણ બની રહે છે.
[ 2 ]
પ્રસ્તાવનામાં આવેલા નટીગીતનું ઉપલક દૃષ્ટિએ પ્રયોજન તો એટલું જ જણાય કે આ ગીત ગવાતું હોય એ દરમ્યાન પ્રેક્ષાગારમાં થોડાઘણા મોડા આવી પહોંચેલા પ્રેક્ષકો પણ પોતપોતાના આસનો ઉપર બરોબર ગોઠવાઈ જાય અને સૌ શાન્ત પડીને બેસે. નાટક શરૂ થતાં જ સૌ પ્રેક્ષકોની દૃષ્ટિ રંગભૂમિ ઉપર એકાગ્ર થવા માંડે એ આવશ્યક હોય છે અને એને માટે પણ ગીત-સંગીતને ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ ગ્રીષ્મઋતુના ગીતમાં કેવળ સંગીતનું જ માધુર્ય ધ્યાનાકર્ષક છે એવું નથી. અહીં જે શિરીષપુષ્પ અને ભ્રમરનો એક સાથે ઉલ્લેખ થયો છે તે સવિશેષ નોંધપાત્ર છે. અહીં ભ્રમરથી એકલા દુષ્યન્તનું સૂચન વાંચવું એ અધુરું અને ઉતાવળું ગણાશે. ઉપર કહ્યું છે તેમ તે ગીતમાં આપણે સ્ત્રીજીવનની કરુણાસભર નિયતિને પણ વાંચવી બહુ જરૂરી છે. કારણ કે, શકુન્તલાના પક્ષેથી વિચારીએ તો, મહાકવિએ અહીં પ્રમદાઓને ‘દયમાના’ તરીકે પણ વર્ણવી છે., જે વધુ ધ્યાનાસ્પદ છે. ક્ષણ માટે ચુંબન પામેલાં શિરીષ પુષ્પો ત્યજાઈ જાય ત્યારે એ દયનીય દશામાં મૂકાઈ જાય છે. આવાં શિરીષ પુષ્પોને શકુન્તલા પોતાના આભૂષણ તરીકે ધારણ કરે છે એમ નાટકમાં શરૂથી જ કહેવાયું છે. અને આગળ જતાં, નાટ્યકાર્યનો વિકાસ થતાં દુષ્યન્તને શકુન્તલાની આ સંવેદનશીલતા અને એની પાછળની ભાવના સમજાઈ ગઈ છે. તેથી છઠ્ઠા અંકમાં, તે બરોબર યાદ કરીને શકુન્તલાના કર્ણમાં હજુ શિરીષ પુષ્પ પહેરેલા હોય – એ ચિતરવાનું બાકી છે એમ કહે છે.
નટીએ ગાયેલા ઋતુ-ગીતમાં શિરીષપુષ્પો અને ભ્રમર – એમ બન્નેનો ઉલ્લેખ છે. તેથી ઘણા વિવેચકોએ તેમાંના માત્ર ‘ભ્રમર’ શબ્દને દુષ્યન્તનો સૂચક ગણી લેવાની ઉતાવળ કરી છે. બીજા કેટલાક વિદ્વાનોએ “દયા દાખવતી પ્રમદા” તરીકે માતા મેનકાનું સૂચન વાંચ્યું છે, જે એકદેશીય છે. તેથી નાયિકાના પક્ષેથી, તેમાંથી વ્યક્ત થતા વ્યંગ્યાર્થનો પુનઃ વિચાર કરવો જરૂરી છે. શિરીષપુષ્પો પ્રત્યે દયા દાખવતી પ્રમદા દ્વારા શકુન્તલાનું સૂચન થઈ રહ્યું છે એમ ટીકાકાર રાઘવભટ્ટે કહ્યું છે, કેમકે એમના ધ્યાનમાં એ સન્દર્ભ રહેલા જ છે કે કૃતિમાં શકુન્તલાએ કાનોમાં શિરીષપુષ્પને પહેર્યાં છે એવું બે જગ્યાએ કહેવાયું છે. પણ વ્યંજનાનો વ્યાપાર તો દીર્ઘ, દીર્ઘતર બનીને વિસ્તરતો હોય છે. એટલે અહીં ઉમેરવું જોઈએ કે સ્ત્રીજીવનની કરુણાપૂર્ણ નિયતિને ઉદ્દેશીને શકુન્તલાના ચિત્તમાં જે ભાવના રહેલી છે તેને પણ કવિએ વાચા આપી છે. આના સમર્થનમાં અમુક સન્દર્ભો યાદ કરાવવા જરૂરી બને છે. જેમકે, શકુન્તલાને ( ત્રીજા અંકમાં, ) એ ખબર હતી કે રાજાઓને અનેક વલ્લભાઓ હોય છે. ચોથા અંકમાં, પિતા કણ્વમુનિએ રાજગૃહમાં પરણીને જતી દીકરીને ગૃહિણી તરીકે સફળ બનવા જે ઉપદેશ આપ્યો છે તેમાં પણ કહ્યું છે કે – તારા સપત્નીજનોને વિશે પ્રિય સખીપણાની ભાવના કેળવજે. હસ્તિનાપુરના રાજગૃહમાં રાણી બનીને જતી દીકરીને પિતાએ ઉપર્યુક્ત સલાહ આપીને, પ્રકૃતિમાં ઉછરેલી શકુન્તલામાં જે લાગણી સહજ રીતે વણાયેલી હતી તેને જ દૃઢીભૂત કરી આપી છે.
મહાકવિ કાલિદાસે શિરીષપુષ્પો અને આમ્રમંજરીઓના દુઃખને સમજનારી, અને એમને પોતાના કર્ણનું આભૂષણ બનાવનારી નાયિકાને માટે કમળનું પ્રતીક પ્રયોજ્યું છે. દુષ્યન્ત પ્રથમાંકમાં જ, નાયિકાને વલ્કલથી વીંટળાયેલી જોઈને, તેને માટે શેવાળથી ઘેરાયેલા કમળની ઉપમા આપે છે . અને એ પછી, ભ્રમરબાધા પ્રસંગનું નિરૂપણ થાય છે – ત્યારે એ સ્પષ્ટ થઈ જાય છે કે કવિએ શકુન્તલાને માટે કમળનું જ પ્રતીક પ્રયોજ્યું છે. ટીકાકાર રાઘવભટ્ટ કહે છે કે ભ્રમરબાધા પ્રસંગથી શકુન્તલાનું પદ્મિનીત્વ વ્યંજિત થઈ રહ્યું છે. ભારતીય જનમાનસ જાણે છે કે રાજલક્ષ્મી કમળમાં જ પ્રતિષ્ઠિત થતી હોય છે.
હંસપદિકાના ગીતમાં, ભ્રમરથી ચુંબન પામેલી ચૂતમંજરી એ હંસપદિકાનું જ પ્રતીક બને છે. કેમકે દુષ્યન્ત કમળમાં જ માત્ર નિવાસ કરનારો બન્યો હોવાનો જે ઉલ્લેખ થઈ રહ્યો છે – તેને સાંભળીને નાટકને ભજવાતું જોઈ રહેલા પ્રેક્ષકોના ચિત્તમાં તો કમળ એટલે શકુન્તલા જ એવો અર્થબોધ પ્રકટે છે. ( અલબત્ત, શાપગ્રસ્ત થયેલા દુષ્યન્તના મનમાંથી શકુન્તલા ભૂલાઈ ગઈ હોવાથી, રંગભૂમિ ઉપર રહેલા તેને, અકળ ભ્રાન્તિમાં, કમળ એટલે રાણી વસુમતી એવો વિકૃત અર્થબોધ પ્રકટે છે. ) દુષ્યન્ત રૂપી ભ્રમર શકુન્તલા રૂપી કમળને પામ્યા પછી તેમાં કેદ થયો જ છે, અને એની સાક્ષી તો હંસપદિકાનું ગીત જ પૂરી પાડી રહ્યું છે. તથા એ ગીતને સાંભળીને એને જે જનનાન્તરનું સૌહૃદ યાદ આવી જાય છે તે પણ શકુન્તલાના પ્રેમને અનુલક્ષીને જ છે. તથા જ્યારે દુષ્યન્ત માછીમાર પાસેથી વીંટી મળ્યા પછી, છઠ્ઠા અંકમાં શકુન્તલાની યાદમાં તેનું ચિત્ર દોરે છે, ત્યારે પ્રથમાંકમાં એણે જે ભ્રમરબાધા પ્રસંગની ક્ષણો અનુભવી હતી, તેનું જ તે પુનઃસ્મરણ કરીને તેનું ચિત્રાંકન કરે છે. આ ક્ષણે દુષ્યન્ત રાજાના ભાવમાં આવીને ભ્રમરને આદેશાત્મક વાણીમાં કહે છે કે રતોત્સવમાં જે અધરોષ્ઠનું મેં પાન કર્યું છે, તેને તું જો ચુંબન કરીશ તો હું તને કમલોદરના બંધનમાં નાંખીશ. ( અ.શા. 6 – 20 ) તથા કવિએ શકુન્તલાના જે પ્રસાધન વર્ણવ્યાં છે તેમાં પણ તે મૃણાલ-વલય પહેરતી હતી એમ કહવાયું છે. દુષ્યન્ત પણ ચિત્રમાં દોરેલી શકુન્તલાના સ્તનાન્તરમાં મૃણાલ-વલય પહેરાવાના બાકી છે એમ કહે છે . આ બધા ઉલ્લેખોથી પણ સમગ્ર નાટકમાં શકુન્તલાને માટે કમળનું જ પ્રતીક વાપરવામાં આવ્યું છે તે મતનું દૃઢીકરણ થાય છે.
બંગાળી વાચનાવાળા અભિજ્ઞાનશકુન્તલમાં, ગાન્ધર્વ-વિવાહને વર્ણવતા ત્રીજા અંકમાં શકુન્તલાએ પોતાના કર્ણોમાં ઉત્પલને ધારણ કર્યા હતાં – એવું કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે તો શકુન્તલા કાનોમાં શિરીષપુષ્પ પહેરતી હતી, તો પછી તેણે આજે કેમ ઉત્પલને પહેર્યાં છે ? એવો કૌતુક ભર્યો પ્રશ્ન થાય જ. પણ તેનો ઉત્તર એ છે કે જે દિવસે તેના ગાન્ધર્વ-વિવાહ થવાના હોય ત્યારે તો દુષ્યન્ત રૂપ ભ્રમરને એકત્ર કેદ કરવા કમળ જ હોવું જોઈએને ? તેથી કવિએ ત્યાં જે પુષ્પની પરાગરજથી શકુન્તલાની દૃષ્ટિ કલુષિત થાય છે એવું કહ્યું છે ત્યાં તે કર્ણોત્પલ-રેણુ ઉડવાથી દૃષ્ટિ કલુષિત થઈ છે એવો શબ્દ વાપર્યો છે, તે પણ અત્રે સ્મર્તવ્ય છે.
* * * *
આ કૃતિમાં પ્રતીકાત્મક રીતે વપરાયેલાં વિવિધ પુષ્પો બાબતે આટલો વિચાર કર્યા પછી, તે શિરીષ પુષ્પોના સન્દર્ભે નટીએ ગાયેલા ગીતમાં જે નાયક દુષ્યન્તને પ્રતીકાત્મક રીતે ભ્રમર કહ્યો છે તેનો આગળ જતાં નાટકમાં કેવો વિકાસ સધાયો છે તે પણ જોવું જાણવું રસપ્રદ છે. જો કે પહેલાં એક સ્પષ્ટતા કરી લઈએ કે દુષ્યન્તને માટે વપરાયેલું ભ્રમરનું પ્રતીક એના કોઈ એક જ પ્રકારના સ્વભાવનું વાચક છે – એમ કહેવું વિવાદાસ્પદ છે. કેમકે આ નાટ્યકૃતિમાં કુલ ચાર વાર ભ્રમરનો ઉલ્લેખ થયો છે. એટલે ચારેય ના ઉપલક્ષ્યમાં જ એ પ્રતીકથી વ્યક્ત કરવામાં આવેલા વ્યંગ્યાર્થને વિચારવો પડે. અહીં મહાકવિએ દુષ્યન્તનો ભ્રમરની સાથે તદ્દન અભેદ સાધીને રજૂઆત કરી હોય એવું નિરૂપણ નથી કર્યું. અગાઉ કહ્યું છે તેમ પ્રથમાંકમાં નાયક દુષ્યન્ત શકુન્તલાના વદન ઉપર ફરતા ભ્રમરનો પ્રતિસ્પર્ધી બન્યો હતો, તે હવે છઠ્ઠા અંકમાં ભ્રમરનો ઉપદેષ્ટા બનીને ઊભો છે. જેમકે,
एषा कुसुमनिषण्णा तृषितापि सती भवन्तम् अनुरक्ता ।
प्रतिपालयति मधुकरी न खलु मधु विना त्वया पिबति ।। अ.शा. 6 -19
આ શ્લોકમાં કહેવાયું છે તેમ વીંટી મળ્યા પછી દુષ્યન્ત તટસ્થ બનીને ભ્રમરનું એ વાત તરફ ધ્યાન ખેંચે છે કે તારી મધુકરી તૃષિતા હોવા છતાંય, મધુનું રસપાન કરતી નથી. વિપરિત લક્ષણાથી વિચારીએ તો દુષ્યન્તને પોતાની પ્રતીક્ષા કરતી વિરહિણી શકુન્તલાનું જ સ્મરણ હવે થઈ રહ્યું છે. શકુન્તલાના ચિત્તમાં સ્ત્રીજીવનની જે કરુણાસભર નિયતિ છલકાતી હતી, અને તેથી જ તે શિરીષ પુષ્પોને પોતાના કાનોમાં ધારણ કરતી હતી – તે દુષ્યન્તના ધ્યાનમાં હવે આવી ગયું છે, અને તેથી જ, ચિત્રમાં દોરેલી શકુન્તલાના કાનોમાં તેણે શિરીષપુષ્પ પહેરાવાના બાકી છે – એમ કહ્યું પણ છે. આમ દુષ્યન્તની ભ્રમરવૃત્તિનું ઉન્મૂલન થયું છે એમ કહેવું એના કરતાં, તે કમળમાં સ્થિર થયેલ છે એમ કહેવું સમુચિત છે. તથા નાટ્યકૃતિમાં આવેલાં કવિના જ ઉપર્યુક્ત શબ્દો જોતાં, રસજ્ઞ ભ્રમરને પોતાની તૃષિતા મધુકરીનું સમ્યક્ દર્શન અને પુનઃસ્મરણ થયું છે તેમ કહેવું તે વધારે સાચું છે. ભ્રમરોલ્લેખના ચારેય સન્દર્ભોને આંખ સામે રાખીશું તો જણાશે કે મહાકવિને સર્વત્ર ચાંચલ્યના પ્રતીક તરીકે જ ભ્રમરનો ઉપયોગ કરવો અભિપ્રેત નથી. આથી નાયક દુષ્યન્તમાં રહેલા ભ્રમરત્વ- ને ચાંચલ્યના પ્રતીક તરીકે જોવાને બદલે, રસજ્ઞતાના પ્રતીક તરીકે જોવું વધુ ઉચિત ગણાશે. કેમકે કવિએ હવે છઠ્ઠા અંકમાં, ભ્રમરને મધુકર કહ્યો છે. અને એ મધુકરને રસપાનમાં મધુકરીનું પણ સાહચર્ય અપેક્ષિત છે – એ ધ્યાનમાં આવ્યું હોય તો તેમાં દામ્પત્ય જીવનનો ખરો આરમ્ભ જ જોવો જોઈએ. વિકસિત થયેલા નાટ્યકાર્યની આ ધન્યક્ષણ છે કે જેમાં દુષ્યન્ત રૂપ મધુકર શકુન્તલાને પણ મધુકરી તરીકે સ્મરી રહ્યો છે ! આવો વ્યંગ્યાર્થ ટીકાકાર નરહરિના પણ મનમાંથી સ્ફુર્યો હતો, તેમણે લખ્યું છે કે શકુન્તલા પણ ભ્રમરીની જેમ આ ( દુષ્યન્ત ) ની અપેક્ષા રાખી રહી છે. નટીગીતમાં વ્યક્ત થતી શકુન્તલાના અન્તઃકરણમાં રહેલી સ્ત્રીઓ પ્રત્યેની કરુણાપૂર્ણ ભાવનાની આ રીતે, છઠ્ઠા અંકમાં આવેલી નાયકની ઉક્તિથી સમાધિ સધાય છે. દુષ્યન્તની (અંક 6-19) ઉક્તિથી સૂચવાય છે તેમ કોઈ પણ નાયકે પોતાનામાં અનુરક્ત અને પોતાની રાહ જોઈ રહેલી પ્રિયતમા રૂપ ભ્રમરીની પાસે જઈને, એક સાથે મળીને કુસુમરસ-પાન કરવું જોઈએ. અહીં, વીંટી મળ્યા પછી દુષ્યન્તને વિરહાવસ્થામાં શકુન્તલાનું જે સ્મરણ થયું છે, તથા એની યાદમાં દોરેલા ચિત્રના નિમિત્તે તેણે જે ઉદ્ગારો કાઢ્યા છે તે સાંભળીને, સાનુમતીને પણ લાગે છે કે શકુન્તલાનું પ્રત્યાખ્યાન કર્યાનું દુઃખ દુષ્યન્તે દૂર કરી દીધું છે. આ સમગ્ર ચર્ચાનું તાત્પર્ય એ છે કે દુષ્યન્તના ભ્રમરત્વનો વિચાર કેવળ ભ્રમરબાધા પ્રસંગ કે હંસપદિકા-ગીતના સન્દર્ભે કરી શકાય એવો નથી, કેમકે એનો ખરો સમ્બન્ધ તો નટીગીતમાં વણાયેલી શકુન્તલાની ગૂઢ સંવેદના જોડે જોડવાનો છે., અને છઠ્ઠા અંકમાં વિકસિત થયેલા નાટ્યકાર્ય મુજબ, ચોથી વખતના ભ્રમરોલ્લેખ – મધુકરોલ્લેખ – ને પણ ધ્યાનમાં લેવો અનિવાર્ય છે.
[ 3 ]
આ નાટકની પ્રસ્તાવનામાં આવેલા નટીગીતનો વિચાર કર્યા પછી, પ્રથમ અંકમાં નાટકના ચરમ લક્ષ્યનો જે પ્રકટ નિર્દેશ છે તેને ધ્યાન ઉપર લઈશું. પ્રથમ દૃશ્યની શરૂઆત મૃગયાવિહારી રાજા દુષ્યન્તના પ્રવેશથી થાય છે. માલિની-નદીના પટાંગણમાં ફરતાં હરણોને તે લક્ષ્ય બનાવી શરસન્ધાન કરે છે. પણ કણ્વમુનિના આશ્રમમાં રહેતાં શિષ્યો રાજાને સાવધાન કરે છે કે આ આશ્રમનો મૃગ છે, તેને ના હણી શકાય, તેને તમારે મારવો જોઈએ નહીં. દુષ્યન્ત ઋષિકુમારોની તે વાત સ્વીકારે છે અને પોતાના બાણનું સંહરણ કરી લે છે. આ સત્કૃત્યના બદલામાં તેને એના જેવા જ ગુણોવાળા ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થાવ – એવો આશીર્વાદ આપવામાં આવે છે. અહીં દુષ્યન્ત આશ્રમમૃગનો શિકાર તો નથી કરતો, પણ કણ્વમુનિની પોષિતા કન્યા શકુન્તલાને ત્યાં જોતાં જ તેના તરફ આકર્ષાય છે, અને ત્રીજા અંક સુધી જતાં તો તેમની પ્રણયલીલા ગાન્ધર્વ-વિવાહમાં પરિણમે છે. આમ, સૌ સાહિત્યરસિકોને શરૂઆતથી જ પ્રતીત થઈ જાય છે કે મહાકવિએ નાયિકા શકુન્તલાને માટે હરિણીનું પ્રતીક વાપર્યું છે. અહીં હરિણના પ્રતીકનો વિનિયોગ કરીને, મહાકવિએ 1. શિકારી દુષ્યન્તની સમ્મુખ ઉપસ્થિત થતી શકુન્તલાના સ્વભાવની અભિવ્યંજના કરી છે. તથા 2. શકુન્તલા અને મૃગના જીવનની સમરસતાને ઊભી કરીને કરુણને ઘેરો બનાવ્યો છે.
પ્રથમાંકમાં, આશ્રમના મૃગને નહીં હણવા માટે દુષ્યન્તને ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે એવા જે આશીર્વાદ આપવામાં આવે છે, તેમાં આશ્રમના મૃગને માટે અનાગસ ( નિષ્પાપ ) શબ્દ વપરાયો છે, તે સાભિપ્રાય છે. મહાકવિએ નાયિકા શકુન્તલાનો સ્વભાવ ભોળો, નિષ્પાપ અને નિર્દોષ છે – એ વ્યંજિત કરવા માટે આ મૃગનું પ્રતીક ગોઠવ્યું છે. સાહિત્યકૃતિઓમાં પાત્રોના સ્વભાવને વ્યક્ત કરવા ક્યારેક પ્રતીક-યોજના પણ કરવામાં આવે છે. કાલિદાસ પ્રતીક-યોજના કરનાર કવિ તરીકે પણ સંસ્કૃત સાહિત્યમાં સૌથી પહેલા છે. તેમણે શકુન્તલાના સ્વભાવનો પ્રતીક દ્વારા એક સ્થળે પરિચય આપી દીધો, અને ત્યાર પછી સમગ્ર નાટકમાં હરિણના પ્રતીકનો જે સતત ઉપયોગ કર્યો છે તે તો મુખ્યત્વે શકુન્તલાના જીવનને વર્ણવવા માટે કર્યો છે. આને માટે આ હરિણને નાટકની પાત્રસૃષ્ટિમાંના એક પાત્ર તરીકે વારંવાર રંગભૂમિ ઉપર આવતું બતાવ્યું છે. કવિની પ્રતીક-યોજનાને ઝીણવટથી સમજવા આ બધા રસપ્રદ સન્દર્ભોનું અવલોકન કરવું આવશ્યક છેઃ ત્રીજા અંકમાં, લતા-વલયમાં દુષ્યન્ત-શકુન્તલાને એકાન્ત આપવા માટે પ્રિયંવદા અને અનસૂયા ત્યાં ફરી રહેલા એક મૃગપોતકને ઉદ્દેશીને બોલે છે કે આ મૃગશિશુ એની માતાથી વિખુટું પડી ગયું લાગે છે, તો ચાલો આપણે એને એની માતા સાથે મૂકી આવીએ. ચોથા અંકમાં, પતિગૃહે જવા ડગલાં માંડતી શકુન્તલા મુનિની ઝૂંપડી પાસે જ સગર્ભા હોવાને કારણે મન્થરગતિએ ફર્યા કરતી એક મૃગવધૂને જુવે છે. એ પિતા કણ્વને વિનંતી કરે છે કે આ મૃગલીને જ્યારે સુખપૂર્વક પ્રસવ થઈ જાય ત્યારે એ પ્રિય સમાચાર મને મોકલાવજો. મહાકવિ અહીં નાટ્યાત્મક વક્રતાનું વિધાન કરવા સગર્ભા મૃગલીને રંગભૂમિ ઉપર હાજર કરી રહ્યા છે. જે નિસર્ગ-કન્યા પોતે પણ આપન્નસત્વા છે અને આશ્રમના મૃગોની આટલી કાળજી લઈ રહી છે તેના ભાગ્યમાં તો કંઈક વિપરિત જ લખાયું છે. એટલામાં એના ધ્યાન ઉપર આવે છે કે એના પાલવને કોઈક પાછળથી ખેંચી રહ્યું છે. શકુન્તલા પૂછે છે કે કોણ મને આમ વારંવાર રોકી રહ્યું છે ? ત્યારે પિતા કણ્વમુનિ કહે છે કે – આ તો તેં ઉછેરેલો દીર્ઘાપાઙ્ગ નામનો મૃગબાળ છે. જેને ઘાસ ચરતી વખતે જો મોંઢા ઉપર કુશઘાસના કાંટા વાગે તો તું ઈંગુદી તેલનું સિંચન કરીને રુઝ લાવી આપતી હતી. તથા જેને મૂઠીઓ ભરીને તું અનાજના દાણા ખવડાવતી હતી, તે મૃગ આજે તારો માર્ગ રોકી રહ્યું છે. તે જાણે કે શકુન્તલાને પતિગૃહે જતાં અટકાવે છે. શકુન્તલા એ સ્નેહાસક્ત મૃગને ઉદ્દેશીને કહે છે કે જન્મ આપીને તારી માતાએ તો તરત વિદાય લીધી હતી, એ પછી મેં તને ઉછેર્યો હતો. પણ આજે હું તને છોડીને જવા નીકળી છું. તો પછી તારો સહવાસ છોડનારને તું શું કામ અનુસરે છે ? તું પાછો ફર, હવે પછી પિતાજી તારી કાળજી લેશે. કવિએ અહીં ચોથા અંકમાં, શકુન્તલા-વિદાય પ્રસંગે એક સગર્ભા મૃગલી અને બીજો માતૃસુખવિહોણો દીર્ઘાપાઙ્ગ નામનો મૃગ ઉપસ્થિત કર્યો છે. એ જ રીતે, શકુન્તલા-પ્રત્યાખ્યાન પ્રસંગમાં પણ દુષ્યન્તને પ્રતીતિ કરાવવા શકુન્તલાએ આ દીર્ઘાપાઙ્ગ નામના મૃગને યાદ કર્યો છે, કે જેણે દુષ્યન્તના હાથમાં રહેલા પડિયાનું પાણી નહોતું પીધું. આ બન્ને મૃગો નાટ્યસૃષ્ટિનાં પાત્રો તરીકે રજૂ થયાં છે. પણ સાથે સાથે તે નાયિકા શકુન્તલાના પ્રતીક પણ બનાવવામાં આવ્યાં છે, તેથી એ સન્દર્ભો વ્યંજનાસભર બની રહે છે. શકુન્તલાની સાસરે જવાની ઘટનાથી નિરાધાર બની રહેલી મૃગલી વર્તમાનમાં સગર્ભા શકુન્તલાની જીંદગી પણ અસહાય બની રહ્યાનું, તથા બીજો દીર્ઘાપાઙ્ગ મૃગ તેની ભૂતકાલિક માતૃસુખ-વિહોણી જીંદગીનું કરુણાજનક સ્વરૂપ વ્યંજિત કરે છે. ( અર્થાત્ તે બન્ને મૃગો અહીં ઉદ્દીપક વિભાવ બનીને કરુણ રસનો પરિપોષ કરે છે. ) વળી, આ દીર્ઘાપાઙ્ગ મૃગ તો શકુન્તલાનો પાલવ ખેંચી રહ્યો છે – એવું જે કહેવાયું છે તેમાંથી બીજો પણ ધ્વનિ એવો નીકળે છે કે તે જાણે શકુન્તલાને સાસરે જાકારો મળશે એ જાણી ગયો છે. અને તેથી એના માર્ગને રુંધી રહ્યો છે. આમ, આ નાટકમાં જ્યાં જ્યાં શકુન્તલાની સાથમાં હરતાં-ફરતાં મૃગોના ઉલ્લેખો આવે છે ત્યાં તે નાટકની જીવન્ત પાત્રસૃષ્ટિનાં જ પાત્રો બનાવાની સાથે, તે શકુન્તલાના પ્રતીક પણ હોવાથી શકુન્તલાની અસહાય અને નિરાધાર જીંદગીની ભાવિ કરુણાને પણ અભિવ્યક્ત કરતાં રહે છે.
મૃગનો શિકાર કરવા ઉદ્યત થયેલા દુષ્યન્તને આ આશ્રમનો મૃગ છે, એને હણવો જોઈએ નહીં – એમ કહીને, નાટ્યારમ્ભે રોકવામાં આવ્યો હતો અને તેણે પોતાના બાણનું સંહરણ પણ કર્યું હતું. એ સન્દર્ભે તેને આશીર્વાદ મળ્યા છે કે એને એના જેવા ગુણોવાળા ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. પણ મૃગ એ જો શકુન્તલાનું પ્રતીક હોય તો, સ્થૂળ મૃગના શિકારને ટાળવા માત્રથી દુષ્યન્તને પુત્રપ્રાપ્તિ થઈ શકે નહીં. આથી, હવે એ જોવાનું છે કે દુષ્યન્તને કયા તબક્કે પોતાનો પુત્ર અને પુત્રસહિતની શકુન્તલા મળે છે. છઠ્ઠા અંકમાં ધીવર-પ્રસંગ પછી દુષ્યન્તના હાથમાં જ્યારે વીંટી આવી જાય છે ત્યારે એ અભિજ્ઞાનના દર્શન થકી દુર્વાસાના શાપની નિવૃત્તિ થઈ જાય છે. હવે એને શકુન્તલા સાથે કરેલા ગાન્ધર્વ-વિવાહનું બરાબર સ્મરણ થઈ જાય છે. જેના અનુસન્ધાને, તેને પ્રત્યાખ્યાન સમયના શકુન્તલાના શબ્દો, અને એ ફરિયાદ, તિરસ્કાર અને ગુસ્સા ભરેલી છેલ્લી દૃષ્ટિ પણ આંખ સામે આવીને ઊભી રહે છે. દુષ્યન્તને હવે સંતાપ ઘેરી વળે છે, તેને દુનિયાના બધા આનન્દ કે ઉત્સવો શકુન્તલા વિના સૂના સૂના લાગે છે. તેને સંસાર જીરવવો ભારે થઈ પડ્યો છે. પણ અહીં છઠ્ઠા અંકના વિરહાલેખનને જોઈને એમ વિચારવું પર્યાપ્ત નથી કે કવિએ ત્રીજા અંકમાં સંભોગ શૃઙ્ગાર વર્ણવ્યા પછી, છઠ્ઠા અંકમાં કેવળ વિપ્રલંભને વર્ણવવા માટે જ દુષ્યન્તને પ્રિયતમા શકુન્તલાનું પુનઃસ્મરણ કરાવ્યું છે. ખરેખર તો છઠ્ઠા અંકને ધ્યાનથી જોવાથી દેખાય છે કે કવિએ પહેલા ત્રણ અંકમાં તો દુષ્યન્ત – શકુન્તલાના બાહ્ય-મિલનને બતાવ્યું હતું, પણ હવે તેમનું આભ્યન્તર-મિલન સિદ્ધ કરવા પ્રવૃત્ત થયા છે.
આમ તો વિપ્રલંભ-શૃઙ્ગાર વર્ણવવાના મિષે કવિએ નાયક દુષ્યન્તને શકુન્તલાનું ચિત્ર દોરતો બતાવ્યો છે. પણ આ ચિત્રાંકન દરમ્યાન જ નાયક-નાયિકાના આવા ઉત્કૃષ્ટ મિલનને સિદ્ધ થતું આપણે જોઈએ છીએ. વિદૂષક રાજા દુષ્યન્તને પૂછે છે કે બે સખીઓ સાથેની શકુન્તલા તો દોરાઈ ગઈ, હવે આ ચિત્રમાં બીજું શું દોરવા માંગો છો ? ત્યારે દુષ્યન્ત કહે છે કે ( આ ચિત્રમાં તો હજી ) જેની રેતીમાં હંસમિથુન રમમાણ હોય તેવી માલિની નદી મારે દોરવાની છે, અને તે (નદીની) ચારે તરફ (મા) પાર્વતીના પાવનકારી પિતા હિમાલયની તળેટીમાં હરિણો બેઠેલાં હોય તેવું દોરવાનું છે. વળી, જેની ડાળીઓ ઉપર ( શકુન્તલાના ) વલ્કલવસ્ત્રો લટકાવ્યાં હોય તેવાં વૃક્ષોની નીચે, ( સ્થિર ઊભેલા એક ) કાળિયાર મૃગનાં શીંગડા ઉપર ( પોતાની ) ડાબી આંખ ખંજવાળતી હોય તેવી મૃગલી દોરવાની ઇચ્છા રાખું છું. ( 6 -17 ) અહીં અભિલષિત ચિત્રની વિગતોનું વર્ણન વ્યંજના-સભર છે. હવે દુષ્યન્ત શકુન્તલાને જે રીતે પામી રહ્યો છે તેને સ્પષ્ટ વાચા આપતો આ શ્લોક, કે જે સમગ્ર કૃતિને સમજવાની ગુરુચાવી બનતો શ્લોક છે, તે અત્રે વિવેચનીય છેઃ—
कार्या सैकतलीनहंसमिथुना स्रोतोवहा मालिनी, पादास्तामभितो निषण्णहरिणा गौरीगुरोः पावनाः ।
शाखालम्बितवल्कलस्य च तरोर्निर्मातुमिच्छाम्यधः शृङ्गे कृष्णमृगस्य वामनयनं कण्डूयमानां मृगीम् ।।
આ શ્લોકની અન્તિમ પંક્તિમાં કહેવાયું છે કે – જેની ડાળીઓ ઉપર (શકુન્તલાનાં) વલ્કલ સૂકાતાં હોય તેવાં વૃક્ષની નીચે ઊભેલા મૃગના શીંગડા ઉપર પોતાના ડાબા નેત્રને ખંજવાળતી હોય તેવી મૃગલી હજુ દોરવાની છે. – આ પંક્તિનો વાચ્યાર્થ દરેક પ્રેક્ષકના મનશ્ચક્ષુ સામે નયનરમ્ય ચિત્ર તો ખડું કરે છે જ, પણ તેનો વ્યંગ્યાર્થ દુષ્યન્તના હૃદગત મર્મ સ્થાનને ઉદ્ઘાટિત કરનારો બની રહે છે. મૃગલીને માટે તેનો મૃગ કેટલો બધો વિશ્વસનીય હોય કે તે જ્યારે એનાં અણિયાળા શીંગડા ઉપર પોતાના નાજુક નેત્રને ખંજવાળશે ત્યારે તે જરીકેય હાલશે નહીં, મૃગલીનાં નેત્ર તે ફુટવા નહીં દે, અને તે અડગ આધાર બનીને ઊભો રહેશે, એવી પાકી અન્તઃકરણની પ્રતીતિ હોય ત્યારે જ અને તો જ, મૃગલી મૃગના શીંગડે પોતાનાં નેત્રની ખંજવાળને દૂર કરે. અહીં એક વિશ્વસનીય બનેલા મૃગને ચિતરવાની જે ઇચ્છા દુષ્યન્ત કરી રહ્યો છે તે મૃગ એ ( દુષ્યન્ત ) પોતે જ છે, મૃગના મિષે દુષ્યન્ત પોતાની નવી ઓળખ વ્યક્ત કરવા મથી રહ્યો છે.
અભિજ્ઞાનશાકુન્તલ નાટકના નાટ્યકાર્યને સમજતી વેળાએ આ સન્દર્ભને ધ્યાન ઉપર લેવો અનિવાર્ય છે. આ શ્લોકમાંથી જ સૂચવાય છે કે, વીંટી મળ્યા પછી વિરહાવસ્થામાં સંતપ્ત થતા દુષ્યન્તને હવે શકુન્તલાનું નવા રૂપે – એક નિષ્પાપ હરણ રૂપે અભિજ્ઞાન મળ્યું છે. આશ્રમના “આ મૃગ”ને હણવાનો ન હોય કે તિરસ્કારવાનો ન હોય, બલ્કે એના જીવનને સહારો આપવાનો હોય – એ વાત તેને સારી પેઠે સમજાઈ ગઈ છે. જીવનની આ નવી સમઝ ઉપર્યુક્ત શ્લોકની અન્તિમ પંક્તિમાંથી વ્યંજિત થઈ રહી છે. દુષ્યન્ત શિકારી તરીકે શકુન્તલાને પામી શકવાનો જ નથી, હરિણી-સ્વરૂપા શકુન્તલાને પામવા માટે તેણે પણ વિશ્વસનીય હરિણ બનવું પડશે, કેમકે सर्वः सगन्धिषु विश्वसिति – એ એણે જ ઉચ્ચારેલું સત્ય એને હવે પૂરેપૂરું સમજાઈ ગયું છે. અનાગસ હરિણી જેવી પ્રેમાળ પત્ની શકુન્તલાને સર્વથા આશ્વસ્ત જીવન બક્ષનાર પતિ તરીકેની તેને પોતાની ઇતિકર્તવ્યતાની પણ ઓળખ મળી ગઈ છે. શકુન્તલાનું અને પોતાનું આવું અભિવન અભિજ્ઞાન, વીંટી મળવાથી મળેલા ( આ મારી પરિણીતા સ્ત્રી છે – એ રીતના ) અભિજ્ઞાન કરતાં વધુ સૂક્ષ્મ અને ઉન્નતતર છે., અને તેથી વધુ સ્પૃહણીય છે.
ઉપર્યુક્ત શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ વપરાયો છે. શાર્દૂલ એટલે સિંહ, સિંહની વિક્રીડિત ગતિ એટલે ચાર ડગલાં ચાલીને, પાછા ફરીને ક્ષુણ્ણ માર્ગને જોવાની – પરીક્ષવાની રીત. દુષ્યન્ત વીંટી મળ્યા પછી ભૂતકાળમાં ( અંક – 5માં ) પોતે અજાણતાં કરેલી ભૂલને પરીક્ષે છે. અને તેનો અવમર્શ કરીને પોતાના વ્યક્તિત્વમાં જે જે સુધારાની જરૂર છે તેને તે સંકલ્પિત ચિત્રના મિષે શબ્દબદ્ધ કરી રહ્યો છે. મહાકવિએ આથી જ આ શ્લોકમાં कार्या ( વિધ્યર્થ-કૃદન્ત ) શબ્દનો પ્રયોગ કર્યો છે, અને તેને પદક્રમની દૃષ્ટિએ પણ સૌથી પહેલું સ્થાન આપ્યું છે, જે ઘણું સૂચક બને છે.
શકુન્તલા માટે વિરહી બનેલો દુષ્યન્ત જ્યારે ચિત્રમાં શકુન્તલાને આકારિત કરે છે ત્યારે તે એક આશ્વસ્ત હરિણીનું ચિત્ર દોરવા ઉત્સુક બન્યો છે – તેમ કહીને મહાકવિએ એ ચોખ્ખું સૂચવ્યું છે કે દુષ્યન્ત હવે શકુન્તલાનો શિકારી તો નથી જ રહ્યો, પણ તે પોતે એક ભરોસો મૂકવા લાયક હરિણ બનીને ઊભો છે. કેમકે દુષ્યન્ત જો હરિણ બને તો જ શકુન્તલા સમાન ગન્ધવાળા વ્યક્તિ તરીકે તેનામાં વિશ્વાસ મૂકે. આમ પાંચમા અંકમાં શકુન્તલા-પ્રત્યાખ્યાન પ્રસંગે सर्वः सगन्धिषु विश्वसिति શબ્દોથી દુષ્યન્તે મારેલો ટોણો તેને પોતાને જાણે અસહ્ય થઈ પડે છે અને એને બદલાવાની ફરજ પાડી રહ્યો છે એમ આ શ્લોક ધ્વનિત કરે છે. જેનું તાત્પર્ય એ જ છે કે હરિણના પ્રતીક દ્વારા નવા વિકસેલા નાટ્યકાર્યને અહીં વ્યંજિત થતું જોઈ શકાય છે. આ નવ વિકસિત નાટ્યકાર્યને કારણે જ નાટકના પૂર્વનિર્ધારિત લક્ષ્ય તરફની આગેકૂચ શરૂ થાય છે. ઘણા વિવેચકોને આ છઠ્ઠો અંક બહુ લાંબો લાગ્યો છે, પણ તેના કારણોની મીમાંસા કરવા કે તેમાં વિકસેલા નાટ્યકાર્યને સમ્યક્ રીતે શોધવા એકેય વિવેચક રોકાયા હોય તેમ જાણમાં નથી.
[ 4 ]
અભિજ્ઞાનશાકુન્તલ નાટકના આરમ્ભે આવેલ 1. નટીગીત, 2. ચક્રવર્તી પુત્ર મળવાના આશીર્વાદ અને 3. પિતા કણ્વમુનિની સોમતીર્થની યાત્રાના નિર્દેશોને સ્મરણપથમાં રાખીને નાટ્યકાર્યને પામવાના આ ઉપક્રમમાં, હવે સોમતીર્થની યાત્રાનું કારણ અને તેનું ફળ વિવેચનીય બને છે. આ નાટકમાં દુષ્યન્ત નાયિકા શકુન્તલાને જુવે અને તેને મળે એ પહેલાં જ, કહેવામાં આવે છે કે એના દુરિતનું શમન કરવા કણ્વમુનિ તીર્થયાત્રાએ ગયા છે. કવિએ શકુન્તલાના માથા ઉપર એ કયું દુરિત તોળાઈ રહ્યું છે ? એ વિશે કશું કહ્યું નથી. પણ ભાવિમાં છુપાયેલું કોઈક દુરિત છે ખરું. પ્રથમાંકમાં અજ્ઞાત રહેલું એ દુરિત ચોથા અંકના આરમ્ભે જોવા, બલ્કે સાંભળવા મળે છે. દુષ્યન્ત હસ્તિનાપુર જવા માટે નીકળ્યો એ જ દિવસે, દુષ્યન્તના વિચારોમાં તલ્લીન શકુન્તલા આંગણે અતિથિ તરીકે આવી ઊભેલા દુર્વાસાનો અવાજ સાંભળી શકતી નથી. એટલે તે સુલભકોપ ઋષિ “ તું જેના વિચારોમાં ખોવાયેલી છું, તે તને ભૂલી જશે ” એવો શાપ આપી દે છે . આમ, દુર્વાસા (નો શાપ) તે શકુન્તલાના દુરિતનું પ્રતીક બને છે. પણ પુત્રીવત્સલ પિતાની તીર્થયાત્રાનું ફળ કયું ? એવી જિજ્ઞાસાનો ઉત્તર તે શક્રાવતાર-તીર્થના જળમાં વસતું માછલું છે, કે જે શકુન્તલાની આંગળીમાંથી સરકી ગયેલી વીંટીને નદીના તળીયે બેસી જતી અટકાવે છે. અહીં માછલી એ પિતાની શુભભાવનાનું મૂર્તિમન્ત પ્રતીક બને છે. જો વીંટી આ માછલીના ઉદરમાં ન ગઈ હોત તો શકુન્તલાનું ભાવિ કદાચ સદાને માટે અન્ધકારમાં ધકેલાઈ ગયું હોત. પણ પિતાની સોમતીર્થની યાત્રાનું એ ફળ ગણાય કે તે માછલીના પેટમાં પહોંચી, અને એ પુણ્યવશાત્ ત્યાંથી રાજા દુષ્યન્ત સુધી ગતિ કરે છે. આમ પ્રતીકાત્મક રીતે જોઈએ તો દુર્વાસાનો શાપ તે શકુન્તલાના દુરિત રૂપે પ્રકટે છે, અને માછલીના માધ્યમથી વીંટીની પુનઃપ્રાપ્તિ થવી તે પ્રતીકાત્મક રૂપે સોમતીર્થની યાત્રાનું ફળ બને છે એમ પ્રતીત થાય છે.
શકુન્તલાના અનિર્દિષ્ટ દુરિતનું બીજું પણ એક સ્વરૂપ વિવિધ પક્ષીઓના પ્રતીકથી અભિવ્યક્ત થઈ રહ્યું છે – તેની ચર્ચા પણ અહીં કરીશું. શકુન્તલાના જન્મની ઉપર નિર્દેશેલી કથામાંથી જાણવા મળ્યું છે તેમ માતા મેનકાએ તેને જન્મ આપીને કણ્વમુનિના આશ્રમ પાસે ત્યજી દીધી હતી. તપોવનના અનેક શકુન્તો( =પક્ષીઓ )એ તેને સાચવી રાખી છે એમ જોતાં કણ્વે તેનું નામ “શકુન્તલા” રાખ્યું . પછી મેનકાના એ સંતાનને કણ્વમુનિએ સહારો આપીને ઉછેર્યું. આથી કમનસીબે શકુન્તલાના જીવનમાં પણ અન્ય પક્ષીઓની જેમ દ્વિજત્વ આવી પડ્યું. આથી શકુન્તલાના જીવનની કહાણી કહેવા માટે મહાકવિએ નાટકમાં ક્રમશઃ રીતે કોકિલ ( પરભૃતિકા ), ચક્રવાક-યુગલ અને હંસ-મિથુન, તથા ( મૃત્તિકા- ) મયૂર જેવાં પક્ષીઓના ઉલ્લેખો કર્યાં છે તે પ્રતીકાત્મક બને છે. ચોથા અંકમાં શકુન્તલા પતિગૃહે જવા પ્રસ્થાન કરે છે ત્યારે તેનાથી વિખૂટા પડતા તપોવનના સૌ જીવો સંતપ્ત છે. સર્વત્ર વિદાયનું દુઃખ ફેલાયું છે. ત્યાં એક ચક્રવાક ઊંચા મુખે શકુન્તલાને જોયા કરે છે., અને બાજુમાં ઊભેલી ચક્રવાકી વચમાં કમળપત્ર આવી જવાથી તેને જોઈ શકતી નથી. એટલે તે રડવા લાગે છે. એ ચક્રવાકીને રડતી જોઈને શકુન્તલા કહે છે કે એક ક્ષણ માટે પણ ચક્રવાકને નહીં જોતી ચક્રવાકીને જો વિરહ અસહ્ય થઈ પડતો હોય તો, હું પતિગૃહે જવાનું જે કાર્ય કરી રહી છું તે મારા માટે પણ કદાચ મૂશ્કેલ સાબિત થશે એવું લાગે છે . આ સાંભળીને અનસૂયા તેને આશ્વાસન આપતાં કહે છે કે આ ચક્રવાકી પણ પોતાના પ્રિયતમ વિના જ, વિષાદથી દીર્ઘ એવી રાત્રિને પસાર કરી દે છે. તેમ તું પણ મોટા દુઃખને વટાવી જઈશ, માણસને આશાનો તાંતણો જ બધું સહન કરવાની શક્તિ આપે છે. અહીં ચક્રવાક પક્ષીના બહાને ખરેખર તો શકુન્તલાના જીવનમાંય, પતિ યાદ કરાવવા છતાંય સામો પ્રતિસાદ નહીં આપે, અને પછી લાંબા સમયનો વિરહ સહન કર્યા પછી પાછું મિલન થશે – એવી વાત વ્યંજિત કરવામાં આવી રહી છે. પાંચમા અંકમાં, દુર્વાસાના શાપને કારણે દુષ્યન્ત શકુન્તલાની સ્મૃતિ ખોઈ બેઠો છે અને શકુન્તલા તેને યાદ કરાવવા ભારે કોશિશ કરી રહી છે. ત્યારે ઉદ્વિગ્ન ચિત્તવાળો બનેલો રાજા શકુન્તલાને “પરભૃતિકાની જેમ પારકાના સંતાનને મારે ત્યાં ઉછેરાવવા આવી છું” – એવું સળગાવનારું વચન કહી દે છે. નિર્દોષ શકુન્તલાને માથે અકારણ પરભૃતિકા તરીકેનું કલંક ચઢાવવામાં આવે છે. માતા મેનકાએ જેમ વિશ્વામિત્ર થકી જન્મેલી બાળકીને કણ્વમુનિને ત્યાં ઉછેરાવી હતી, તેમ પોતે બીજા કોઈકનું સંતાન દુષ્યન્તને ત્યાં ઉછેરાવા આવી છે – એવો વ્યંગ ( કટાક્ષ ) વ્યંજિત થતાં જ શકુન્તલાને માટે તે અસહ્ય બની જાય છે, અને તે રાજાને ‘અનાર્ય’ કહીને સંબોધી બેસે છે. અહીં શકુન્તલાના અજ્ઞાત ભાવિમાં છુપાયેલું જે દુરિત હતું તે એ હતું કે તે સાચી પત્ની હતી અને દુષ્યન્તનું જ સંતાન પોતાના ઉદરમાં લઈને પતિગૃહે જઈ ઊભી હતી છતાંય, તેને અકારણ એકવાર તો ‘પરભૃતિકા’ એવો ટોણો સાંભળવો પડે છે. પરન્તુ અન્તે કણ્વની તીર્થયાત્રાનું ફળ તેને એ પણ મળે છે કે તે દુષ્યન્તની સાથે હંસમિથુન બની રહેવાનું સૌભાગ્ય સિદ્ધ કરે છે. વિરહમાં સંતપ્ત દુષ્યન્ત છઠ્ઠા અંકમાં, માલિની નદીના રેતાળ-પટમાં રમમાણ એક હંસમિથુન ચિતરવાનો જે અભિલાષ વ્યક્ત કરે છે તેમાં દુષ્યન્ત પોતાના ભાવિ દામ્પત્ય જીવનનું જ સ્વપ્ન જોઈ રહ્યો છે. અથવા કહો કે, જે દુષ્યન્તે શકુન્તલાને શાપવશાત્ પરભૃતિકા રૂપે જોઈ હતી, તેનું તેને હવે સાચું અભિજ્ઞાન હંસલી તરીકે થાય છે. આમ, મહાકવિ કાલિદાસે પરભૃતિકા, ચક્રવાક અને હંસમિથુન જેવા પક્ષીઓના પ્રતીકાત્મક નિર્દેશો કરીને, શકુન્તલાના દુર્દૈવ અને સદ્-નસીબને અભિવ્યક્ત કર્યા છે.
[ 5 ]
અભિજ્ઞાનશાકુન્તલ નાટકના આરમ્ભે મહાકવિએ પોતે જ આ નાટકની ગતિ કઈ દિશામાં પ્રવર્તશે એ વિશે જે ત્રણ નિર્દેશો આપ્યા છે તેને દૃષ્ટિ સામે રાખીને, ઉપર મુજબ જોતાં, હવે શિકારી અને હરિણીનો વિસંવાદ શમી ગયો છે. દુષ્યન્ત વિશ્વસનીય હરિણ બનીને હરિણી સ્વરૂપા શકુન્તલા સામે ઊભો છે. પરિણામે, આશ્રમ-મૃગ ઉપર હવે કોઈ અભિઘાત થવાનો સવાલ જ રહેતો નથી. ભ્રમર પણ કમળને વિશે કેદ થયો છે, અથવા પોતાના વિના મધુપાન ન કરતી અને રાહ જોતી તૃષિત બેઠેલી એવી ભ્રમરીને વિશે સજાગ બની ગયો છે. તથા સોમતીર્થની યાત્રાના સુફળ થકી વીંટી પણ મળી જતાં, વિરહસંતપ્ત દુષ્યન્તને શકુન્તલાનું સાચું( આન્તરિક ) અભિજ્ઞાન મળી રહે છે. ત્યાર પછી, બીજે તબક્કે પુત્ર સર્વદમનના અભિજ્ઞાનનું કાર્ય બાકી રહે છે. તેથી સપ્તમ અંકમાં, શકુન્તલાના પુત્રનું અભિજ્ઞાન અને તેની પ્રાપ્તિ માટેનું આવશ્યક એવું નિર્વહણ સન્ધિનું નાટ્યકાર્ય આગળ ધપે છે. છઠ્ઠા અંકમાં વીંટી મળી ગયા પછી, શકુન્તલા થકી જન્મેલો પુત્ર એ દુષ્યન્તનો જ પુત્ર છે – એવો મુખ્ય અભિજ્ઞાનનો મુદ્દો જ અવશિષ્ટ રહે છે, જે સાતમા અંકનું મુખ્ય કાર્ય બને છે. મહાકવિ કાલિદાસે ભગવાન શિવના આઠ આઠ પ્રત્યક્ષ (પ્રકટ) રૂપોને તેમના અભિજ્ઞાન રૂપે પ્રેક્ષકોની સામે જેમ નાન્દી શ્લોકમાં મૂક્યા હતા, તેમ શકુન્તલાનો પુત્ર સર્વદમન ભરત “ દુષ્યન્તનો જ પુત્ર છે ” તેની ખાતરી પૂરી પાડવા પણ અનેક અભિજ્ઞાનોને રજૂ કર્યા છે. જેમકે – 1. મારીચ ઋષિના આશ્રમમાં સિંહબાળ જોડે રમી રહેલા પુત્રના હાથમાં ચક્રવર્તી બનવાનાં લક્ષણો દેખાય છે. રાજા દુષ્યન્તને ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે એવા અગાઉ આશીર્વાદ મળેલા છે. તેથી આ પુત્ર દુષ્યન્તનો હોઈ શકે છે. તેવું પહેલું અભિજ્ઞાન મારીચના આશ્રમમાં પ્રકટે છે. 2. આ મનુષ્યનું બાળક અપ્સરાના સમ્બન્ધથી અહીં અન્તરિક્ષમાં આવેલા મારીચના આશ્રમમાં પહોંચ્યું છે – એમ સાંભળતા દુષ્યન્તને ધ્યાનમાં આવે છે કે પોતાની પ્રિયા શકુન્તલા પણ અપ્સરાપુત્રી હતી., અને પ્રત્યાખ્યાન પછી તેને કોઈક અન્તરિક્ષમાં લઈ ગયું હતું. 3. આ છોકરો તો પુરુવંશનો અંકુર છે. દુષ્યન્ત પણ પુરુવંશનો જ છે. 4. દુષ્યન્ત પૂછે છે કે આ છોકરાની માતા કયા રાજર્ષિની પત્ની છે ? ત્યારે ઋષિકન્યાઓએ ઉત્તર આપ્યો કે ધર્મપત્નીને ત્યજી દેનારા એ અભાગિયાનું કોણ નામ લે ? આ સંવાદ પણ, આ દીકરો પોતાની પત્ની શકુન્તલાનો છે – એનું અભિજ્ઞાન કરાવનારો બને છે. 5. આ બાળકને મૃત્તિકામયૂર આપતી વેળાએ જેવું બોલાય છે કે શકુન્તલાવણ્યને તું જો – ત્યારે તે “ક્યાં છે મારી માતા?” એમ પૂછી બેસે છે. આનાથી રાજાને અભિજ્ઞાન મળી રહે છે કે આની માતાનું નામ ‘શકુન્તલા’ છે. 6. દુષ્યન્ત રસ્તામાં પડેલી અપરાજિતા ઔષધિને ઊંચકી લે છે, છતાંય એ સર્પ બનીને દુષ્યન્તને ડંસ મારતી નથી. એથી પણ નક્કી થાય છે કે આ પુત્રના પિતા દુષ્યન્ત જ છે. 7. સર્વદમન ભરત કહે છે કે તમે મારા પિતા નથી, મારા પિતા તો ‘દુષ્યન્ત’ છે . આમ જે બાળકને પોતાની માતા પાસેથી જાણવા મળ્યું હોય કે તેનો પિતા અમુક નામવાળો છે – એને જ પ્રમાણભૂત મનાય. ગાન્ધર્વ-વિવાહનું સાક્ષી બીજું તો કોઈ હતું નહીં, આ સંજોગોમાં માતાનું વચન જ પ્રમાણ બને છે. 8. શકુન્તલાએ આ જ બાળકને જન્મ આપ્યો હતો એનું પ્રમાણ મારીચ ઋષિ પૂરું પાડે છે. તેઓ પૂછે છે કે રાજન્, તમે આ શાકુન્તલેયનું ( શકુન્તલાના પુત્રનું ) અભિનન્દન કર્યું કે નહીં ? ત્યારે એક વખતના ઘડીક સંગથી, વગર કોઈ સાક્ષીએ કરેલા ગાન્ધર્વ-વિવાહથી, જે બાળકને શકુન્તલાએ જન્મ આપ્યો હતો, તેનું અભિજ્ઞાન એકદમ નિઃશંક બની જાય છે. આમ, છઠ્ઠા અંકમાં તો વીંટી મળવાથી કેવળ શકુન્તલાનું જ અભિજ્ઞાન સ્પષ્ટ થયું હતું, પણ તેના પછી વધારે મહત્ત્વનું તો પુત્ર ભરતનું અભિજ્ઞાન જ હતું, જેની સિદ્ધિ પણ શિવના આઠ પ્રત્યક્ષ રૂપોની જેમ આઠ અભિજ્ઞાનોથી સાતમા અંકમાં કરવામાં આવે છે.
‘અભિજ્ઞાન’ શબ્દનો અર્થ 1. ઓળખ માટેનું ચિહ્ન , 2. ઓળખાયેલી વ્યક્તિ , અને 3. ઓળખ ક્રિયા પોતે . આ નાટકમાં આ બધા પ્રકારના અભિજ્ઞાન ક્રમશઃ વિલસતાં જોવા મળે છે. પણ એ બધામાં શકુન્તલાની ‘દુષ્યન્ત-પરિણીતા સ્ત્રી’ કરતાં, ‘હરિણી-સ્વરૂપા શકુન્તલા’નું સૂક્ષ્મ અભિજ્ઞાન વિકસિત થયેલા નાટ્યકાર્યનું પરિણામ જણાય છે. અને નાયિકા શકુન્તલાના અભિજ્ઞાન સાથે જ ન અટકી જતાં, સાતમા અંકમાં, કવિએ પુત્ર ભરતના જે ‘શાકુન્તલ’ અને ‘દૌષ્યન્તિ’ તરીકેના અભિજ્ઞાનને પણ વર્ણવવા સુધી કથાને વિસ્તારી છે – તેથી તે ( બંગાળી અને મૈથિલી વાચનાનુસારના ) “અભિજ્ઞાનશકુન્તલ” એવા શીર્ષકને નહીં, પણ ( કાશ્મીરી, દેવનાગરી અને દાક્ષિણાત્ય વાચનાનુસારના ) “અભિજ્ઞાનશાકુન્તલ” એવા શીર્ષકને જ ચરિતાર્થ કરે છે. અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં અભિજ્ઞાન, શકુન્તલા અને શાકુન્તલ ભરત – એ ત્રણેય મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે.
પ્રસ્તુત લેખમાં પ્રતીકોથી વ્યક્ત થતા નાટ્યકાર્યની વાત કરવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે – એથી પુત્ર ભરતનું અભિજ્ઞાન પણ સચોટ પ્રતીક દ્વારા જ બતાવાયું છે એટલું સ્પષ્ટ કરવાનું બાકી રહે છેઃ—મહાકવિએ શકુન્તલાને માટે હરિણીનું પ્રતીક વાપર્યું છે અને પ્રથમ અંકના અન્તે ધર્મારણ્યમાં ગજ પ્રવેશ્યો છે એમ કહીને દુષ્યન્તને માટે હાથીનું પ્રતીક ગોઠવ્યું છે. તો છેલ્લા સાતમા અંકમાં, ચક્રવર્તીનાં લક્ષણો ધરાવતા પુત્ર ભરતને સિંહના બચ્ચા જોડે રમતો બતાવીને, તેને માટે બાલમૃગેન્દ્રનું પ્રતીક પ્રયોજ્યું છે એ સર્વસ્વીકૃત હકીકત ધ્યાનાસ્પદ બને છે.
[ 6 ]
ટૂંકમાં, નિસર્ગના ખોળામાં જન્મેલી શકુન્તલાના જીવનની પ્રેમકહાણી કહેવા માટે મહાકવિ કાલિદાસે સમગ્ર નિસર્ગમાં જોવા મળતાં (1) હરિણ, હાથી, સિંહબાળ જેવા પશુઓ-પ્રાણીઓ, (2) અનેકવિધ પુષ્પો તથા (3) ભ્રમર જેવા નાના જન્તુ અને વિવિધ પક્ષીઓનો પ્રતીકાત્મક વિનિવેશ કરીને આ નાટ્યકૃતિને રમણીય બનાવવાની સાથે, તેને નિત્ય નૂતન અને ચિરંજીવિની બનાવી છે. અલબત્ત, આમાંથી ( નાયિકા શકુન્તલા માટેના ) હરિણ, કમળ અને ભ્રમર જેવા ત્રણ પ્રતીકોનો સાતત્યપૂર્ણ ઉપયોગ કરીને, નાટ્યકાર્યને અભિવ્યક્ત કરનારી અવિસ્મરણીય વ્યંજનાઓને સર્વત્ર વિલસિત કરી છે. તો હાથી, સિંહબાળ, પરભૃતિકા, ચક્રવાક, શિરીષ, ચૂતમંજરી ઇત્યાદિ અન્ય પશુ-પક્ષી-પુષ્પાદિનો ક્યારેક પ્રાસંગિક રીતે નિર્દેશ કરીને નાટ્યકાર્યના ક્રમિક વિકાસને આકારિત થતો દર્શાવ્યો છે.
----------- *** -------------
Tagore Rabindrnath. (1953). SAKUNTALA. Calcutta: Macmillan & Co. Limited.
कालिदासः. (2006). अभिज्ञानशाकुन्तलम् ( राघवभट्टस्य टीकया समेतम् ). नयी दिल्ली: राष्ट्रिय संस्कृत संस्थान ।.
शङ्करः एवं नरहरिः. (1957). अभिज्ञानशकुन्तलम् ( मैथिलपाठानुगम् ). दरभङ्गा: सं. रमानाथ झा, मिथिला विद्यापीठ.
રવીન્દ્રનાથ ટાગોર. (1922). પ્રાચીન સાહિત્ય ( અનુવાદક - મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ ). અમદાવાદ: નવજીવન કાર્યાલય.
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें